30/09/2026
રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ (NSDF) 2026–27
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ (NCSM), ભારત સરકારના સહયોગથી “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત તા. 30 સપ્ટેમ્બર, 2026ના રોજ ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ (NSDF) 2026–27ની જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંકલન કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર (CSC), ભાવનગર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ વર્ષે મહોત્સવનો મુખ્ય વિષય “વિજ્ઞાન અને સમાજ” હતો. અંતર્ગત વિદ્યાર્થીઓએ AI: મિત્ર, ઉપકરણ કે ખતરો?, EV: આગળનો માર્ગ, આંતરતારકીય આવાસ (Interstellar Habitats) અને મહાસાગરોની પુનઃસ્થાપના જેવા વિષયો પર નાટ્ય રજૂઆતો કરી હતી.
જિલ્લાની ધોરણ 6 થી 10ની શાળાઓની કુલ 14 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક ટીમને મહત્તમ 30 મિનિટના સમયગાળામાં અને 8 કલાકારોની મર્યાદામાં પોતાની નાટ્યકૃતિ રજૂ કરવાની તક આપવામાં આવી હતી. આ આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા, તાર્કિક વિચારસરણી અને સામાજિક જાગૃતિને પ્રોત્સાહન મળ્યું.
કાર્યક્રમમાં GUJCOSTના ડિરેક્ટર જનરલ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, IAS, ના માર્ગદર્શન મુજબ નાટક તજજ્ઞ શ્રીમતી હેતલબેન રાઠોડ, ડૉ. ગીરીશ ગોસ્વામી તથા શ્રી હર્ષદભાઈ જોષી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તમામ સહભાગી ટીમોને પ્રમાણપત્રો તથા વિજેતા ટીમોને ટ્રોફી અને ઇનામો એનાયત કરવામાં આવ્યા.
જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે શ્રી સમત્વ સ્કૂલ, ભાવનગર વિજેતા બની હતી. આ ટીમ તા. 14–15 ઓક્ટોબર, 2026ના રોજ રાજકોટ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના ગ્રાન્ડ ફિનાલેમાં ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.