*શ્રી આડેસરાસાહેબ : મોરબી વી. સી. હાઈસ્કૂલના વ્હાલા વડલા જેવા*
(લેખક:
ડૉ. ભાવેશ જેતપરિયા)
૧૧ ફેબ્રુઆરી ૧૯૫૦ના રોજ વીરમગામની ધરતી પર જન્મેલા શ્રી યોગેન્દ્રભાઈ મોતીલાલ આડેસરા જ્ઞાન, સંસ્કાર અને સેવાના ત્રિવેણી સંગમ સમા લાગ્યા છે. આઝાદી પહેલાં એમના પિતાશ્રી સ્વ. મોતીલાલ જમનાદાસ આડેસરા ૧૯૨૯ માં બી.એસસી.,બી.ટી. થઈને વિરમગામ શેઠ એમ. જે. હાઈસ્કૂલમાં વિજ્ઞાનના દીપક પ્રગટાવી પ્રિન્સિપાલપદેથી નિવૃત્ત થયા હતા. માતૃશ્રી ઘનલક્ષ્મીબેન ગૃહલક્ષ્મી બનીને સંસ્કારના કોડિયાં પ્રગટાવતાં. છ સંતાનોમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રીઓ હતાં. બધાને વિદ્યાના અમૃતથી અને સંસ્કારોના સિંચનથી સજાવીને ઉત્તમ નાગરિક બનાવ્યાં. સોનાની માયાને બદલે વિદ્યાની લગડી તરફ વાળ્યા, જેમાં તેજી-મંદી ન આવે, ઉત્તરોત્તર વધ્યા કરે.
શ્રી આડેસરાસાહેબે ૧૯૬૬ માં ગુજરાત બોર્ડની ઓલ્ડ એસ.એસ.સી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરીને જ્ઞાનયાત્રા આરંભી. ૧૯૭૦ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં બી.એસસી.ની ડિગ્રી મેળવીને વિજ્ઞાનના રંગોમાં રંગાયા. ૧૯૭૧ માં બી.એડ્. ની પદવી લઈને શિક્ષણ સાથે જોડાયા. ૧૯ મેં ૧૯૭૩ ના લગ્ન થયાં. પરિવાર સાથે સંસારની જવાબદારીઓ આવી એટલે અભ્યાસ અટક્યો. સંતાનોના ઉછેરની જવાબદારી નિભાવી, બાળકો રમતાં થયાં એટલે વેકેશનલ કોર્સમાં ૧૯૮૩ થી ૧૯૮૬ ઘેર બેઠાં અભ્યાસ કરીને ૧૯૮૭ માં ભાવનગર યુનિવર્સિટીમાંથી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એમ.એસસી. પૂર્ણ કર્યું.
તેમણે જૂન ૧૯૭૧ એક વર્ષ શ્રી આર. વી. ગોસલિયા વિદ્યામંદિર, ઉગામેડી ખાતે વિજ્ઞાનશિક્ષક તરીકે જોડાયા. ૧૨ નવેમ્બર ૧૯૭૧ ના રોજ મોરબીની ધી. વી. સી. ટેકનિકલ હાઇસ્કૂલના દ્વારે આવ્યા, ત્યાં એમનું સત્વ ચોવીસ કેરેટ બનીને ચમકવા લાગ્યું. વી.સી. હાઈસ્કૂલ ૧૮૯૨માં શરૂ થયેલી. આ શાળા સૌરાષ્ટ્રની શૈક્ષણિકયાત્રામાં એક સદી સુધી દબદબો જાળવી રાખનાર કેળવણી ધામ હતું. ૧૯૯૨ માં ૧૦૮ વિદ્યાર્થીઓ અને દસ શિક્ષકોથી શરૂ થયેલી અને ૧૯૪૨ માં ટેક્નિકલ કોર્સ શરૂ થવાથી સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો, જે ૧૯૪૪માં ૬૮૦ વિદ્યાર્થીઓ સુધી પહોંચી હતી.
ધી વી. સી. ટેકનિકલ હાઇસ્કૂલમાં શ્રી આડેસરા સાહેબે ધોરણ ૮-૧૧ ની જૂની પેટર્નમાં અક્ષરના દીવડા પેટાવ્યા. જૂન ૧૯૭૬ એ ૧૦+૨ હાયર સેકન્ડરીનું પ્રભાત ઊગતાં ધોરણ ૧૧-૧૨ નાં શિખરે રસાયણવિજ્ઞાનના રંગ રેલાવ્યા, સાથે શાળાની જરૂરીયાત ઊભી થઈ તો ભૌતિકવિજ્ઞાન અને ગણિતશાસ્ત્ર વિષયો પણ ભણાવ્યા. માર્ચ ૧૯૭૮ નો દિવસ ગુજરાતના શિક્ષણજગત માટે ઐતિહાસિક બની રહ્યો, જ્યારે રાજ્યમાં ધોરણ ૧૨ - હાયર સેકન્ડરી બોર્ડની પ્રથમ પરીક્ષા યોજાઈ. એ કસોટીના કુંડમાં તપીને આ શાળાનો હોનહોર વિદ્યાર્થી ડૉ. જયંતિભાઈ ભાડેશિયા (હાલ સંઘ સંચાલક પશ્ચિમ ક્ષેત્ર RSS) વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર બોર્ડમાં પ્રથમ ક્રમે ઝળહળી ઊઠ્યો. ત્યારથી વિદ્યામંદિરના ઓરડામાંથી નીકળેલી એ જ્યોત આજે મેડીકલ ક્ષેત્રે અનેક ડૉક્ટરો આપ્યા અને કાર્યરત છે. આ શાળાના આંગણેથી ઉછરેલા અનેક હોનહાર વિદ્યાર્થીઓએ વિદ્યાના વરદાનને પાંખો આપી તમામ ક્ષેત્રોમાં કીર્તિના કળશ ભર્યા છે. કોઈ કલેકટર બનીને વહીવટના સુકાન પર બેઠા, કોઈ હાઈકોર્ટમાં જજ બનીને ન્યાયલયની ધૂરા સંભાળી, કોઈ અધ્યાપક અને લેખક થયા અને ખીલીને ખુશ્બુ આપી. કોઈએ વહીવટી અધિકારી તરીકે રાજ્યની સેવા કરી, કોઈએ શિક્ષણ અધિકારી બનીને વિદ્યાની વાટ પ્રજ્વલિત રાખી, કોઈ પ્રિન્સિપાલ બનીને ગરવી પરંપરા આગળ ધપાવી, કોઈ એન્જિનિયરિંગના આકાશ આંબતા આગળ વધ્યા, કોઈએ વિજ્ઞાનના સંશોધનમાં નવી ક્ષિતિજો ખોલી, કોઈએ ઉદ્યોગ-વ્યાપારમાં રોજગારના રસ્તા ખોલ્યા, કોઈએ કૃષિ ક્ષેત્રે ધરતીને ધનધાન્યથી લીલીછમ કરી, કોઈ કલા-સાહિત્ય-સંગીતમાં સંવેદનાના સૂર છેડ્યાં, કોઈએ રમતગમતમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો, કોઈએ સંરક્ષણ દળમાં માભોમની રક્ષા કાજે સજ્જ થયા, તો કોઈ ધારાસભ્ય, સંસદસભ્ય અને મંત્રી બનીને લોકશાહીના મંદિરમાં પ્રજાહિતના દીવડા પેટાવ્યા. ખરેખર, કોઈ હોદો બાકી નથી જ્યાં આ શાળાના વિદ્યાર્થીઓનું તેજ પહોંચ્યું ન હોય. વિવિધ ક્ષેત્રોમાં યશસ્વી બનીને વી.સી.નું નામ દીપાવી રહ્યા છે. શિક્ષકની સાચી મૂડી એ જ કે એના વિદ્યાર્થીઓ એનાથી પણ ઊંચે ઊડે, અને આ શાળાનું આકાશ આજે એવા તેજસ્વી તારલાઓથી ઝગમગે છે.
શ્રી આડેસરાસાહેબે સૌના સહકારથી ૧૯૯૬ થી ૨૦૦૩ સુધી ઇન્ચાર્જ પ્રિન્સિપાલનું સુકાન સંભાળ્યું, અધ્યાપક અને આચાર્યના ડબલ રોલમાં. ત્યારે વી.સી. બોયઝ હાઈસ્કૂલમાં ૫૫૦૦ વિદ્યાર્થીઓ અને ૧૫૦નો જમ્બો સ્ટાફ હતો. તેઓ સરકારી સ્કૂલના આચાર્ય હોવાથી તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના સરકારી કાર્યક્રમોની સરવાણી આ કેમ્પસના આંગણે અવિરત વહેતી. ચૂંટણી હોય, લોકતંત્ર-પર્વો, જાહેર પરીક્ષાઓનું આયોજન, યુવક મહોત્સવ, બોર્ડની પરીક્ષા વગેરે અનેક પ્રવૃત્તિઓ કરવાની થતી. બોર્ડની પરીક્ષામાં કેમેસ્ટ્રી વિષયમાં કો-ઓર્ડીનેટર તરીકે, કેમેસ્ટ્રી વિષયમાં પ્રથમ સિનિયર તરીકે ગુજરાતનું ગૌરવ જાળવ્યું. સરકારી પ્રવૃત્તિની દરેક ક્ષણે રસથી-ઉત્સાહ-ઉમંગથી, નિષ્ઠાથી કાર્ય કર્યું.
ઈ.સ. ૨૦૦૩થી નિયમાનુસાર બઢતી સહ બદલીથી પ્રિન્સિપાલ : વર્ગ - ૨ તરીકે સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા, પડધરી, જિ. રાજકોટમાં તેમણે ફરજ નિભાવી. ૨૦૦૬માં સ્વૈચ્છિક નિવૃત્ત થયા, ૩૬ વર્ષની શિક્ષણ યાત્રા નિજાનંદથી, સંતોષપૂર્વક પૂર્ણ કરી.
શ્રી આડેસરાસાહેબનું વ્યક્તિત્વ જોઈએ તો પહેલી નજરે જ પ્રભાવક દેખાય. છ ફૂટ ઊંચી કાયા, ટટાર અને સુંદર કદ-કાઠી સાથે આકર્ષક અને મોહક ચહેરો તરત નજર ખેંચે છે. તેજસ્વી આંખોમાં આત્મવિશ્વાસ અને શાંતિ બંનેનો મેળ દેખાય છે. ઘટ્ટ કાળા વાળની આકર્ષક હેરસ્ટાઈલ તેમના દેખાવને વધુ નિખારે છે. પહેરવેશમાં પણ તેમની રુચિ અને શિસ્ત સ્પષ્ટ દેખાય: સોનેરી રંગના શર્ટ, ઘટ્ટ કોફી રંગનું પેન્ટ, કમરે સોનેરી બેલ્ટની બકલ અને હાથમાં સોનેરી બેલ્ટથી બંધાયેલી ગોલ્ડન એચ.એમ.ટી.ની ઘડિયાળ. ૧૯૭૫ નું એક યુવા શિક્ષકનું વ્યક્તિત્વ નજર મારી સામે ખડું થાય છે. એમનું જીવન, એમનો વ્યવહાર અને રીતભાત બધું ગોલ્ડન ગોલ્ડન. ગૌરવપૂર્ણ, આકર્ષક અને પ્રેરણાદાયી.
તેમની સૌથી મોટી ઓળખ છે પ્રભાવક વાક્છટા. જ્યારે તેઓ વર્ગમાં બોલે ત્યારે શબ્દો માત્ર કાન સુધી નહીં, મન સુધી પહોંચતા. ધીમો, સ્પષ્ટ અને દૃઢ સ્વર, અને વચ્ચે આવતું મૃદુ હાસ્ય વિદ્યાર્થીને આરામ અને આત્મવિશ્વાસ બંને આપતા. વાત કરવાની ઢબમાં એટલી સહજતા કે ગંભીર વિષય પણ હળવો લાગે, અને જરૂર પડે ત્યારે એક વાક્યમાં જ શિસ્ત પણ જમાવી દે. એટલે જ વિદ્યાર્થીઓ આજે પણ તેમને માત્ર શિક્ષક તરીકે નહીં, પણ માર્ગદર્શક તરીકે માને છે.
વી.સી. હાઈસ્કૂલના હાયર સેકન્ડરી વિભાગમાં વિજ્ઞાન ભણાવતા શ્રી આડેસરાસાહેબને જોઈને લાગે કે શિક્ષકનો અર્થ માત્ર પાઠ ભણાવવાનો નથી, વિદ્યાર્થીને ઘડવાનો છે. તેમના વર્ગમાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના સૂત્રો બ્લેકબોર્ડ પર નહીં, જીવનનાં દૃષ્ટાંતોથી સમજાવતા. કોઈ પ્રયોગ સમજાવે ત્યારે તેઓ પહેલા વિદ્યાર્થીને પૂછે છે કે, તને એવું કેમ લાગે છે ? અને પછી જાતે કરીને બતાવતા. મુશ્કેલ વિષયને પણ સરળ ભાષામાં મૂકી આપતા. નબળો વિદ્યાર્થી પણ 'હા, હવે સમજાયું.' કહીને માથું હલાવતો. સમયસર વર્ગમાં આવવું, દરેક બાળકને નામથી બોલાવવું, અને ગૃહકાર્ય તપાસવું વગેરે નાની નાની વાતોમાં તેમની નિષ્ઠા દેખાઈ આવતી. સ્ટાફમાં તેમની ગેરહાજરીમાં 'ઝીણી હથોડી' ઉપનામ વાતોમાં આવતું.
ઉત્તમ શિક્ષકના ગુણો શ્રી આડેસરાસાહેબમાં સહજ રીતે વણાઈ ગયેલા. તેઓ વિદ્યાર્થીને ગુણથી નહીં, પ્રયત્નથી માપતા. કોઈ નાપાસ થાય તો ઠપકો નહીં, પણ ક્યાં ભૂલ થઈ એ સમજાવીને ફરીથી પ્રયત્ન કરાવતા. તેમની વાણીમાં કઠોરતા નથી, પણ એવી શાંતિ હતી. જે વિદ્યાર્થીને સાંભળવા મજબૂર કરે છે. પ્રામાણિકતા, નિષ્પક્ષતા અને ધીરજ એમના સ્વભાવમાં દેખાય, એટલે વિદ્યાર્થીઓ તેમની પાસે અભ્યાસની સાથે જીવનની મૂંઝવણ પણ લઈને આવતા અને સાચી દિશાનું માર્ગદર્શન મેળવતા. તેઔ શિક્ષણને નોકરી નહીં, સેવા માની હતી. એટલે જ તેમના વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષામાં પાસ થતા નથી, જવાબદાર અને વિચારશીલ માણસ બનીને બહાર નીકળતા. ગમે તે ઉંમરનો હોય, ગમે તે હોદા પર હોય, તો પણ આજેય મળે ત્યારે ઝુકીને ગુરુવંદના કરે છે.
સોની પરિવાર એટલે સોનાનું અને ઘડતરનું મૂલ્ય સમજે. જેમ સોની સોનાને ગાળીને, ઘડીને આભૂષણ બનાવે છે, તેમ શિક્ષક વિદ્યાર્થીને ઘસીને, ઘડીને જીવન માટે તૈયાર કરે છે. શ્રી આડેસરાસાહેબ જ્યારે શિક્ષક બન્યા ત્યારે એમણે માત્ર પાઠ ભણાવ્યા નહીં, શિક્ષણનાં મૂલ્યો જીવ્યાં. ધીરજ, પ્રામાણિકતા, નિષ્ઠા અને દરેક વિદ્યાર્થીને સરખો ગણવાની ભાવના એમનાં વર્તનમાં દેખાય. સોનાની જેમ કિંમતી એ જ્ઞાનને એમણે ક્યારેય દંભ કે અહંકારથી ઢાંક્યું નહીં, બલ્કે નમ્રતાથી વહેંચ્યું. એટલે જ એમનો પરિવાર અને એમની શિક્ષકવૃત્તિ બંને એક જ તાંતણે બંધાયેલ જોવા મળે :ઘડતરનું મૂલ્ય અને મૂલ્યોનું ઘડતર.
નિવૃત્તિ પછી પણ શ્રી આડેસરા સાહેબ ક્ષણભર માટે પણ નિષ્ક્રિય રહ્યા નથી. સ્કૂલની ઘંટડી બંધ થઈ, પણ તેમની જીવનઘંટડી સતત વાગતી રહી. ગામમાં, શહેરમાં, કોઈપણ કાર્યાલયમાં પ્રવેશ કરો એટલે કોઈને કોઈ ભૂતપૂર્વ વિદ્યાર્થી સામે આવીને “સાહેબ, મને ઓળખ્યો ?” કહીને હાથ જોડીને સામે ઉભો રહે છે. હજારો વિદ્યાર્થીઓને તેમણે વિજ્ઞાનનાં સૂત્રોની સાથે જીવનનાં સૂત્રો પણ શીખ્યા એટલે જ આજે પણ તેમની ઓળખ માત્ર શિક્ષકની નથી, પરંતુ સેંકડો ઘરના માર્ગદર્શકની છે. નિવૃત્તિ પછી તેઓ સમાજમાં સમરસ રહ્યા. ન કોઈ જાતિનો ભેદ, ન કોઈ દરજ્જાનો ભાર. નાનામાં નાના કાર્યકરથી માંડીને વિદ્વાન સુધી સૌ સાથે એ જ સહજતા અને આદરથી રહેવાની ટેવ.
અનિવાર્ય હોય અને કોઈ કાર્યક્રમમાં જવું પડે તો શ્રી આડેસરાસાહેબ માત્ર ઔપચારિકતા પૂરી કરવા હાજર રહેતા નથી. મંચ પર વ્યાખ્યાન, સ્વાગત કે આભારવિધિ કરવાનો અવસર આવે તો પણ તેઓ એટલી જ નિષ્ઠાથી જોડાય જેટલી નિષ્ઠાથી કોઈ વિદ્યાર્થીને પ્રયોગ સમજાવતા હોય. તેમની વાણી, હાવભાવ અને સાંભળવાની રીત એવી કે આખો કાર્યક્રમ તેમણે મનથી માણ્યો છે એની તરત પ્રતીતિ થઈ આવે. નાનામાં નાનો કલાકાર હોય કે વક્તા, દરેકને એવું લાગે કે સાહેબે ખરેખર મને સાંભળ્યો છે. આ જ તેમની સહજતા અને સમરસતાનો પ્રતાપ છે કે જ્યાં જાય ત્યાં કાર્યક્રમને જીવંત બનાવી દે છે.
તેમનો રસ હંમેશા વર્ગખંડની બહાર પણ વિસ્તરેલો રહ્યો. સાહિત્ય, સંગીત અને અન્ય બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં તેમની રુચિ જૂની છે. સાંજે ગામની વાચનાલયમાં બેસીને નવી નવલકથાની ચર્ચા કરતા હોય, કે કોઈ કવિસંમેલનમાં મૌન બનીને શબ્દોનો લય માણતા હોય. બૌદ્ધિકો સાથે તેમનો ઘરોબો એટલો ગાઢ છે કે કોઈ સેમિનાર કે ગોષ્ઠિ હોય તો આડેસરા સાહેબની હાજરીને જ સભાની ગંભીરતા માનવામાં આવે. આ ઉંમરે પણ તેમની જિજ્ઞાસા યુવાન જેવી. નવું પુસ્તક આવે, નવો વિચાર આવે, તરત વાંચીને તેના પર ચર્ચા કરવા તૈયાર થઈ જાય. વોટ્સએપ પર સેન્ડ કરતા રહે એટલે જ કહી શકાય લોકો કે શ્રી આડેસરાસાહેબ નિવૃત્ત થયા છે નોકરીમાંથી, જીવનમાંથી નહીં.
તેમના વ્યવહારમાં અહંકારની છાયા લેશ પણ વરતાય નહીં, બસ સમભાવ અને નમ્રતા જ અનુભવાય. ક્યારેય કોઈને જરાય તોછડો ઉત્તર કે લૂખો વ્યવહાર જોવા મળતો નથી. ભલે કોઈ અજાણી વ્યક્તિ મળે, તેમની વાત સાંભળવાની ઢબ એવી હોય છે કે સામેની વ્યક્તિને લાગે કે હું મહત્ત્વનો છું. આ જ નમ્રતા અને સરળતા તેમને લોકપ્રિય બનાવે છે. સન્માન મેળવવા માટે તેઓ ક્યારેય પ્રયત્ન કરતા નથી, પણ તેમનો સ્વભાવ જ એવો છે કે માણસ આપોઆપ તેમને માન આપે છે. તેમના પરિવાર, સગાઓ સાથે અતૂટ નાતો રહ્યો અને શિક્ષક હોવાથી તેમનાં બાળકોને માર્ગદર્શન આપ્યું. સગાઓ સાથે ઉત્તમ સહવાસ કર્યો. તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંપાબેનનું ર૦૨૫ માં અવસાન થયું એનો ખાલિપો પુરવા સંગીતનો શોખ, સાહિત્યનો સહવાસ, કાર્યકમો અને મિલન પ્રસંગોમાં ઉપસ્થિતિ અને મિત્રો સાથે ફોનેટિક ગોષ્ઠિ દ્વારા આનંદમય સમય પસાર કરે છે. અત્યારે પણ અઠવાડિયું, પખવાડિયું કે મહિનો રોકવા માટે સગાંસંબંધીઓ ભાવથી હોંશે હોંશે આમંત્રણ પાઠવે છે અને સહવાસ દરમ્યાન જ્ઞાન ગોષ્ઠિ કરે છે.
હાલ તેમણે પોણી સદી પૂરી કરી અને માથે બે વર્ષ હેમખેમે પસાર કરી દીધાં છે સુખરૂપ આનંદમય જીવનનો સુવર્ણ અધ્યાય જોડી રહ્યા છે. શ્રી આડેસરાસાહેબ આજે પણ જીવનની દરેક પળને રસાયણના રંગે રંગીને, શિક્ષણના સૂરે સજાવીને, પરિજનોને પ્રેમે મ્હેકાવીને જીવી રહ્યા છે. તેઓ વડલાની જેમ વિસ્તરતા રહ્યા અને તેમનાં વ્યક્તિત્વની શીતળ છાયા આપતા રહ્યા છે. એટલે વ્હાલા વડલા જેવા છે.
The V C Technical Highschool MORBI
Morbi District Number 1 Government school
04/05/2026
02/05/2026
તારીખ : 04/05/2026 થી એડમિશન પ્રક્રિયા શરૂ.....
**અહેવાલ: ધી વી. સી. ટેકનિકલ હાઇસ્કુલ-મોરબી દ્વારા ‘મતદાન જાગૃતિ’ રેલી અને શપથ ગ્રહણ કાર્યક્રમ**
**મોરબી:** **તારીખ: ૦૮ એપ્રિલ, ૨૦૨૬**
લોકશાહીના પવિત્ર પર્વમાં જન-જનની ભાગીદારી વધે અને મતદારો જાગૃત થાય તેવા આશય સાથે આજે **ધી વી. સી. ટેકનિકલ હાઇસ્કુલ-મોરબી** ના ધોરણ ૦૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અને સમગ્ર શિક્ષક ગણ દ્વારા ભવ્ય ‘મતદાન જાગૃતિ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું હતું.
**રેલીનું આયોજન**
આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ બે પ્રકારે રેલી યોજીને શહેરના વાતાવરણને લોકશાહીના રંગે રંગી દીધું હતું:
* **સાયકલ રેલી:** ધોરણ ૦૯ થી ૧૨ ના ઉત્સાહી વિદ્યાર્થીઓએ પોતાની સાયકલ પર ‘મારો મત, મારો અધિકાર’ અને ‘મતદાન એ રાષ્ટ્રની સેવા છે’ જેવા બેનરો લગાવી શહેરના વિવિધ ચોક અને વિસ્તારોમાં ભ્રમણ કર્યું હતું.
* **વિદ્યાર્થી રેલી (પદયાત્રા):** સાયકલ રેલીની સાથે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાથમાં સૂત્રો લખેલા પ્લેકાર્ડ્સ લઈ પદયાત્રામાં જોડાયા હતા. ‘પહેલા મતદાન, પછી જળપાન’ જેવા નારાઓથી સમગ્ર મોરબી ગુંજી ઉઠ્યું હતું.
# # # **સંકલ્પ ગ્રહણ કાર્યક્રમ**
રેલીના સમાપન સમયે શાળાના પટાંગણમાં એક પ્રેરણાદાયી સભાનું આયોજન થયું હતું. જેમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણે રાષ્ટ્રના હિતમાં અને લોકશાહીના સશક્તિકરણ માટે **‘મતદાન સંકલ્પ’** લીધા હતા. વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ પોતાના પરિવાર અને આસપાસના લોકોને નિર્ભય થઈને અને કોઈપણ લાલચ વગર મતદાન કરવા માટે પ્રેરિત કરશે.
# # # **શૈક્ષણિક સ્ટાફનું યોગદાન**
શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, એક સક્ષમ રાષ્ટ્રના નિર્માણ માટે દરેક મત કિંમતી છે. ધોરણ ૦૯ થી ૧૨ ના યુવા વિદ્યાર્થીઓ, જેઓ આવતીકાલના મતદારો છે, તેમનામાં અત્યારથી જ આ સંસ્કારોનું સિંચન થાય તેવો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ રેલીએ મોરબીના નાગરિકોમાં મતદાન પ્રત્યે એક નવી ચેતના જગાડી હતી.
03/04/2026
આ ત્રણેય રાજાઓ મોરબી માટે ઘણું બધું યોગદાન આપેલ છે.
29/03/2026
ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલના સંસ્કૃત શિક્ષક શ્રી ધવલભાઈ ખાંડેકાનું રાજ્યકક્ષાએ સન્માન
મોરબી:
ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલ, મોરબી માટે આજનો દિવસ અત્યંત હર્ષ અને ગૌરવનો રહ્યો છે. શાળાના સંસ્કૃત વિષયના નિષ્ઠાવાન શિક્ષક શ્રી ધવલભાઈ ખાંડેકાએ પોતાની વિદ્વત્તા અને સંસ્કૃત પ્રીતિ દ્વારા રાજ્યકક્ષાએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.
સિદ્ધિની વિગત:
ઈશ્વરકૃપા અને ગુરુકૃપાના ફળસ્વરૂપે, આજરોજ આયોજિત એક વિશેષ ગરિમામય સમારોહમાં શ્રી ધવલભાઈને તેમની સંસ્કૃત ભાષા પ્રત્યેની અસાધારણ પકડ અને જ્ઞાન માટે નીચે મુજબના બે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે:
* गीताभूषणः એવોર્ડ
* शतसुभाषितपण्डितः એવોર્ડ
સન્માન સમારોહ:
આ એવોર્ડ રાજ્યના આદરણીય શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ તથા અન્ય વિશિષ્ટ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે મહાનુભાવોએ ધવલભાઈની શૈક્ષણિક કાર્યનિષ્ઠા અને પ્રાચીન ભાષા સંસ્કૃતના જતન માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા.
શાળા પરિવારનો સંદેશ:
શાળાના સંસ્કૃત શિક્ષકની આ અપ્રતિમ સિદ્ધિ બદલ ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલના આચાર્યશ્રી, શૈક્ષણિક સ્ટાફ, વહીવટી કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. ધવલભાઈની આ સફળતા માત્ર શાળા માટે જ નહીં, પરંતુ સમગ્ર મોરબી જિલ્લાના શૈક્ષણિક જગત માટે ગૌરવ સમાન છે.
> "સંસ્કૃત જેવી દેવવાણીને જીવંત રાખવા અને તેમાં આવી નિપુણતા મેળવી રાજ્યકક્ષાએ સન્માનિત થવું એ ખરેખર વંદનીય છે."
17/02/2026
મોરબીમાં વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી: ગુજરાત સાહિત્ય અકાદમી અને વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે 'માતૃભાષા મહોત્સવ'નું આયોજન
મોરબી:
વિશ્વ માતૃભાષા દિવસના ઉપલક્ષમાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ, મોરબીના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ ને બુધવારના રોજ એક વિશેષ વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 'માતૃભાષા સપ્તાહ' અંતર્ગત યોજાનારા આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવાનો અને નવી પેઢીને માતૃભાષાના મહિમાથી અવગત કરાવવાનો છે.
કાર્યક્રમની વિગતો:
* તારીખ: ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬
* સમય: સવારે ૦૮:૦૦ કલાકે
* સ્થળ: ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ, મોરબી
મુખ્ય અતિથિ વિશેષ:
આ કાર્યક્રમમાં પ્રેરણાસ્ત્રોત તરીકે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જ્હા,
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ મોતા હાજરી આપશે.
વક્તા અને સંચાલન:
વિષય નિષ્ણાત વક્તા તરીકે શ્રી પુનિતભાઈ મેરજા (શિક્ષક અને ઉત્તમ વક્તા) તથા શ્રી હિરેનભાઈ નથવાણી (શિક્ષક, કવિ અને લેખક) માતૃભાષાના મહત્વ પર પ્રકાશ પાડશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા એવોર્ડી શિક્ષક શ્રી સુધીરભાઈ ગાંભવા કરશે અને સંયોજક તરીકે શ્રી ધવલ ખાંડેકા સેવા આપશે.
આ કાર્યક્રમના નિમંત્રક તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અને શાળાના આચાર્ય ડૉ. ભદ્રસિંહ વાઘેલા (GES CLASS-2) એ સાહિત્ય પ્રેમી જનતા અને વિદ્યાર્થીઓને આ મહોત્સવમાં પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે. 'મળી માતૃભાષા મને ગુજરાતી' ના મંત્ર સાથે આ ઉત્સવ ભાષાકીય જાગૃતિ માટે એક મહત્વનું પગલું બની રહેશે.
વધુ માહિતી માટે સંપર્ક:
શ્રી ધવલ ખાંડેકા (સંયોજક)
11/02/2026
મોરબીની પ્રતિષ્ઠિત સંસ્થા ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલ ના યશસ્વી આચાર્ય શ્રી તેમજ જેમનું વ્યક્તિત્વ શિસ્ત અને સ્નેહનો સંગમ છે, એવા અમારા માર્ગદર્શક શ્રી ભદ્રસિંહ વાઘેલા સાહેબને જન્મદિવસની અનંત શુભેચ્છાઓ.
શિક્ષણ જગતમાં આપનું યોગદાન પ્રેરણારૂપ છે. પ્રભુ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના...
Happy birthday sir 🙏
31/12/2025
ગૌરવવંતો અવસર: ધી વી. સી. ટેકનિકલ હાઇસ્કુલના ૬ શિક્ષક મિત્રોને વર્ગ-૨ માં બઢતી સાથે ભાવભીની વિદાય
મોરબી:
શિક્ષણ જગતમાં પોતાની આગવી ઓળખ ધરાવતી મોરબીની ધી વી. સી. ટેકનિકલ હાઇસ્કુલ માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરે અંકિત થયો છે. શાળાના સમર્પિત અને કર્મનિષ્ઠ એવા કુલ ૬ શિક્ષક મિત્રોને ગુજરાત શિક્ષણ સેવા (GES-2) વર્ગ-૨ માં બઢતી (Promotion) મળતા શાળા પરિવાર દ્વારા તેમનો સન્માન સહ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
સન્માનિત શિક્ષકગણ
જે શિક્ષક મિત્રોને ઉચ્ચ હોદ્દા પર બઢતી મળી છે તેમાં નીચે મુજબના મહાનુભાવોનો સમાવેશ થાય છે:
* શ્રી જેન્તીભાઈ પડસુંબીયા સાહેબ
* શ્રી મહેશભાઈ ગાંભવા સાહેબ
* શ્રી હૈદરઅલી સુમરા સાહેબ
* શ્રી દર્શનભાઈ પટેલ સાહેબ
* શ્રી રોહિતભાઈ આદ્રોજા સાહેબ
* શ્રી બીપીનભાઈ દેત્રોજા સાહેબ
શાળાના પ્રાર્થના સભામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબીના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કમલેશભાઈ મોતા સાહેબ, શાળાના આચાર્યશ્રી ભદ્રસિંહ વાઘેલા સાહેબ તથા અન્ય સ્ટાફ મિત્રો દ્વારા તમામ બઢતી પ્રાપ્ત શિક્ષકોનું પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. વક્તાઓએ જણાવ્યું હતું કે, આ છએય શિક્ષકોએ પોતાની લાંબી કારકિર્દી દરમિયાન વિદ્યાર્થીઓના ઘડતરમાં અને શાળાની શૈક્ષણિક પ્રગતિમાં અમૂલ્ય ફાળો આપ્યો છે.
> "એક સાથે છ-છ શિક્ષકોનું વર્ગ-૨ માં (ક્લાસ 2) ઓફિસર તરીકે પ્રમોશન થવું એ વી. સી. ટેકનિકલ હાઇસ્કુલ માટે ગૌરવની બાબત છે. આ તેમની મહેનત, નિષ્ઠા અને શિક્ષણ પ્રત્યેના સમર્પણનું પરિણામ છે."
પ્રમોશન સાથે નવી જવાબદારી સંભાળવા જઈ રહેલા આ શિક્ષકોને વિદાય આપતા સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓની આંખોમાં હર્ષ સાથે વિદાયની ભીનાશ જોવા મળી હતી. તમામ શિક્ષક મિત્રોએ પણ પોતાના પ્રતિભાવમાં શાળા સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા અને સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.
શાળા પરિવાર અને મોરબી શિક્ષણ જગત આ તમામ અધિકારી મિત્રોને તેમની નવી ઇનિંગ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે.
"નૂતન વર્ષ ૨૦૮૨"
આપના જીવનમાં સુખ, શાંતિ, કીર્તિ, યશ અને ઐશ્વર્યની ભરપૂર વૃદ્ધિ કરે તથા આપનું અને આપના પરિવારનું જીવન મંગલમય રહે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના.
- નૂતન વર્ષાભિનંદન! 🪔✨💐🙏
Click here to claim your Sponsored Listing.
Location
Contact the business
Telephone
Address
Near Mani Mandir
Morbi
363641
Opening Hours
| Monday | 8am - 5pm |
| Tuesday | 8am - 5pm |
| Wednesday | 8am - 5pm |
| Thursday | 8am - 5pm |
| Friday | 8am - 5pm |
| Saturday | 8am - 11:30am |
