10/04/2026
દરેક વ્યક્તિમાં કોઈને કોઈ આવડત જરૂર હોય છે, કોઈને ચિત્રો દોરવા ગમે છે તો કોઈને વાંચવું ગમે છે, કોઈને ગીતો ગાવા ગમે છે તો કોઈને સાંભળવા. કહેવાય છે કે કલા કોઈની મોહતાજ નથી હોતી, તમને જે આવડે છે તે બીજાને નથી આવડતું, મારો કહેવાનો મતલબ એ છે કે દરેક વ્યક્તિમાં કોઈને કોઈ આવડત જરૂર રહેલી હોય છે.
હું છોકરાંને ટ્યુશન લેવા મુકવા જાઉં ત્યાં એ સોસાયટીની શેરીમાં છેલ્લા બે દિવસથી એક માણસ મંદિરની ભીંત પર કેટલાંક ચિત્રો દોરી રહ્યો હતો. સુંદર મજાના ચિત્રો મેં મારા મોબાઈલ ફોનમાં સંગ્રહ કરી લીધા, જે અત્યારે તમે જોઈ રહ્યા છો.
– અરવિંદ કળસરિયા. ‘માનસ’
#કલા #ભીંત_ચિત્રો
01/04/2026
ઉનાળાની કાળજાળ ગરમીમાં સીમના વટેમાર્ગુને પોરો ખાવા માટે એકા'દ નાનકડા ઝાડનો છાંયો મળી જાય તો પૂરતું છે. વહેલી સવારથી માલઢોર હારુ નિણપુળો લેવા ગયેલા કોઈ બેન દીકરી કે ભાઈ માણસને વાડીએથી પાછા ફરતા ફરતા તો બપોર થઈ ગઈ હોય, બરાબર બપોરનો તડકો માથે આવ્યો હોય અને માથે નિણપુળાનો ભારો હોય એવા વખતે પોતે પરસેવે રેબઝેબ થઈ ગયા હોય ત્યારે વાટમાં પોતાને છાંયો હાંભરે. જોકે સૌરાષ્ટ્રના ગામડાની સીમમાં મોટાભાગે વાટમાં વિપુલ પ્રમાણમાં ઝાડવા જોવા મળે છે, અને તેથી છાંયો ન મળે એવું તો ભાગ્યે જ બને.
વાડીમાં કામ કરતા ખેડૂતો કે ખેત મજૂરોને બપોરના રોટલા ટાણે છાંયાની ઓથની જરૂરીયાત રહેતી હોય છે, તેઓ ઇચ્છતા હોય છે કે રોટલા ટાણે તેમને બે ઘડી ટાઢો છાંયો મળે. પછી ભલે તે ગમે તે ઝાડનો છાંયો હોય, ચાહે બાવળ પણ કેમ ન હોય.. છાંયો તો છાંયો છે. ઉક્ત ફોટો અમારી વાડી વિસ્તાર બાજુનો છે, જે મેં જાતે પાડેલો છે. એ ઉનાળાની કાળજાળ ગરમીમાં બાવળના છાંયા નીચે પણ બે ઘડી આરામ કરવા મળે તો કાંઈ ઓછું નથી..
અહીં મને કવિ શ્રીપ્રેમ શંકર ભટ્ટની રચનાની બે પંકિત ટાંકવાનું મન થાય છે,
"ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો;
તરસ્યાને તો દરિયાથિયે
લોટો લાગે મોટો."
એટલે કે, ખારા જળનો તો આખો દરિયો ભર્યો છે, અને મીઠા જળનો લોટો ભર્યો છે, પરંતુ તરસ્યા માણસને મન તો પાણીનો એક લોટો દરિયાથી પણ મોટો છે.
એવી જ રીતે કોઈ વટે માર્ગુ કે કોઈ ખેડૂતો કે પછી ખેત મજૂરો પોરો ખાવા માટે, ઝાડના છાંયાની તલાશમાં હોય છે, પછી એમને વડલાના કે આંબાના ઝાડના મોહ ન હોય, એ બધા ઝાડવા મળી રહે તો તો ઉચિત જ, પણ આરામ કરવા કે થાક ઉતારવા બાવળનો છાંયો મળી રહે તો પણ પોતાને મન તો વડલો અને આંબો જ હોય છે.
– અરવિંદ કળસરિયા. ‘માનસ’
#વાડી #ઝાડનો_છાંયો
24/03/2026
હોડી બાળી નાંખો
પાછા ફરવાના દરેક રસ્તા નષ્ટ કરી નાંખીએ છીએ ત્યારે આપણે પરાજય પામવાનો કે પલાયન થવાનો વિકલ્પ બંધ કરી દઈએ છીએ.
સાલ 1519 ની વાત છે. હર્નન કોર્ટીઝ નામના એક સ્પેનિશ યોદ્ધાની આગેવાની હેઠળ 600 જેટલા સ્પેનિશ લોકોએ એક ટાપુ ઉપર આક્રમણ કર્યું. તેમનો ઇરાદો એઝટેક સામ્રાજ્યને યુદ્ધમાં હરાવીને, એ ટાપુ જીતી લેવાનો હતો. એ ટાપુ પર સોના, ચાંદી અને હીરાના વિપુલ ખજાના હોવાથી, સ્પેનિશ યોદ્ધાઓ કોઈપણ સંજોગોમાં એ વિસ્તારનો કબજો મેળવવા માંગતા હતા. ટાપુ પર ઊતર્યા પછી તરત જ કોર્ટીઝને ખ્યાલ આવ્યો કે ફક્ત 600 યોદ્ધાઓ સાથે આ વિશાળ અને શક્તિશાળી સામ્રાજ્ય પર વિજય મેળવવો અશક્ય છે. વિરોધીઓની સરખામણીમાં તેમની પાસે રહેલા સૈનિકો અને શસ્ત્રોની સંખ્યા અલ્પ અને મર્યાદિત હતી. જ્યારે કોર્ટીઝને એ હકીકતની જાણ થઈ કે તેમનામાં આ યુદ્ધ જીતી શકવાનું સામર્થ્ય નથી, ત્યારે તેમણે એક વિચિત્ર નિર્ણય લીધો. જે હોડી કે વહાણની મદદથી તેઓ ટાપુ સુધી પહોંચેલા, કોર્ટીઝે એ બધી જ હોડીઓને બાળી નાંખવાનો આદેશ આપ્યો. એ હોડીઓ બળવાની સાથે જ સ્પેનિશ યોદ્ધાઓ માટે જીવ બચાવીને ભાગવાનો એકમાત્ર રસ્તો નાશ પામ્યો. ‘ડુ ઓર ડાઈ’ પરિસ્થિતિમાં મુકાઈ ગયેલા સ્પેનિશ યોદ્ધાઓ માટે જીવતા રહેવાનો હવે એકમાત્ર રસ્તો, યુદ્ધ જીતી લેવાનો હતો. હિંમતભેર આગળ વધીને પોતાની પૂરી ક્ષમતા, સાહસ અને જનૂનથી તેઓ યુદ્ધ લડ્યા. પોતાના ગજા અને ક્ષમતા બહારની આ લડાઈ તેઓ જીત્યા અને એક સમયે ‘અશક્ય’ લાગતો વિજય કોર્ટીઝે ફક્ત પોતાના અભિગમથી મેળવી બતાવ્યો. એ વિસ્તાર આજે મેક્સિકોના નામથી ઓળખાય છે.
યુરૉલૉજીમાં ઍડમિશન લેવા, મેં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની મારી સિક્યૉર ગવર્નમેન્ટ જૉબ છોડી દીધેલી. ઘણી બધી અનિશ્ચિતતાઓ હોવા છતાં સર્જરી ડિપાર્ટમેન્ટને ગુડબાય કહીને હું ગુજરાતની બહાર નીકળી ગયેલો. એ વખતે જાતને એક પ્રૉમિસ આપેલું કે જ્યાં સુધી યુરૉલૉજિસ્ટ નહીં બનું, હું પાછો નહીં ફરું.
ટૂંકમાં, ટાપુ જીતવા હોય તો હોડી બાળી નાંખો. પાછા ફરવાના દરેક રસ્તા બંધ કરી દઈએ છીએ ત્યારે આપણે પરાજય પામવાનો કે પલાયન થવાનો વિકલ્પ બંધ કરી દઈએ છીએ. ત્યારબાદ આપણી પાસે ફક્ત એક જ રસ્તો હોય છે, આગળ વધીને સફળતા મેળવવાનો. ‘હોડી બાળી નાંખો’ એટલે એક એવી ક્ષણ કે જેમાં અનિશ્ચિતતાઓ સાથે પણ આપણે આગળ વધવાનો મક્કમ નિર્ધાર કરીએ છીએ. ભવિષ્યનો ડર અને અસલામતી હોવા છતાં પૂરા ખંત, ઉત્સાહ અને ઊર્જાથી કોઈ ચોક્કસ હેતુ માટે જાતને સમર્પિત કરી દઈએ છીએ. હોડી બાળી નાંખવી એટલે ક્યારે પાછું વળીને ન જોવું. વીતેલા ભૂતકાળથી જાતને અળગી કરીને, જિંદગીના રસ્તે હિંમતપૂર્વક આગળ વધ્યા કરવું. એકવાર લીધેલા નિર્ણયોને બહાનાં કાઢ્યાં વગર નિભાવવા. જાતને પૂરા કમીટેડ રહીને ર્દઢ નિશ્ચય અને મક્કમ મનોબળથી લક્ષનો પીછો કરવો. આપણે જેને આપણી મર્યાદા કે અસમર્થતા ગણીએ છીએ, એ બીજું કશું જ નથી પણ જાત વિશેની આપણી ગેરમાન્યતા છે. ‘યુ–ટર્ન’ લીધા વગર અજાણ્યા રસ્તા પર આગળ વધ્યા કરવાના ફક્ત બે જ પરિણામો શક્ય છે. કા આપણે રસ્તો શોધી લઈએ છીએ અથવા તો બનાવી લઈએ છીએ.
– ડૉ. નિમિત્ત ઓઝા
(‘અજવાળાંના આફ્ટરશૉક્સ’ માંથી)
#ડૉ_નિમિત્ત_ઓઝા #ગુજરાતી_ભાષા
23/03/2026
અમારા ઘરે એક ટેપ રહેતું. ટેપની સાથે અલગથી બે સ્પીકરો પણ ખરા. ટેપની ઉપર જ ઘણીબધી કેસેટો પણ રહેતી, જેમાં મુખ્યત્વે પૂ. મોરારી બાપુની કથાની કેસેટો, રામદેવપીર બાપાના આખ્યાનની કેસેટો, ભજનો અને ગુજરાતી ફિલ્મના ગીતોની કેસેટોનો સમાવેશ થતો હતો. બાપા ઘરે હોય એટલે મોરારીબાપુની કથાની કેસેટ ચાલતી હોય, અમે બધાં જ સાંભળીએ. દાદા ક્યારેક રામદેવપીર બાપાના આખ્યાન સાંભળે, તો અમે ગુજરાતી ફિલ્મી ગીતોની મજા માણીએ.
ટેપ ચાલુ કરવાનો કોઈ ચોક્કસ નિયમ કે સમય ન હતો, પણ યોગ્ય સમયે યોગ્ય કેસેટો વગાડવી એ અમને બાપા પાસેથી શીખવા મળ્યું હતું. વહેલી સવારે પ્રભાતિયા સાંભળવાં, પછી હનુમાન ચાલીસા અને ભજનો વાગતા. બપોરના સમયે ટેપ બિલકુલ બંધ રહેતું. વળી ટાઢો પહોર થાય એટલે ટેપ ચાલુ થાય અને ગુજરાતી ફિલ્મના ગીતો વાગે. અમે ગાયક ન હોવા છતાં પણ ગીતોની સાથે સુર પુરાવીએ.
તે સમયે સાંભળેલા પૂ. મોરારી બાપુની કથાના કેટલાંક પ્રસંગો આજે પણ માનસ પટની અંદર સંગ્રહિત છે. એવું લાગે કે જો ત્યારે બાપુની કથાઓ ન સાંભળી હોત તો રામાયણ જાણી જ ન શક્યા હોત. આખ્યાન, ભજનો, ગીતો આજે બધું યાદ આવે છે.
ટેપ બગડે અને નાની મોટી કેટલીક સમસ્યા તો અમે ઘરે જ રિપેર કરી નાખતા, વધારે સમસ્યા હોય તો જ ટેપ રિપેરિંગની દુકાને લઈ જવાનું. અમે ટેપ રિપેરિંગ માટે ટેપને મહુવા મુકામે લઈ જતા. જૂના બસ સ્ટેશનની બાજુમાં મોર્ડન રેડિયો હતો અને આજે પણ છે, ત્યાં અમારું ટેપ રિપેર થતું.
કેટલો બધો સમય વિતી ગયો ટેપની કેસેટો વગાડ્યે અને આવી દુકાનની મુલાકાત લીધાને, છતાં પણ એવું લાગે છે કે હજુ હમણાં સુધી ટેપ વગાડતા હતા, એવું લાગે કે જાણે હમણાં જ ટેપ રિપેર કરાવ્યું હતુ. સમયને કોણ રોકવાનું. જેટલું જીવીને જાણ્યું–માણ્યું એમાં જ ખરી મજા હતી.
– અરવિંદ કળસરિયા ‘માનસ’
#ટેપ #કેસેટો
21/03/2026
ત્યાંના એક રહીશને મેં પૂછ્યું: ‘અહીં(પરબંદર)નું શું પ્રખ્યાત છે?’
તો એમણે જવાબ આપતા કહ્યું: ‘ખાજલી.’
‘એ શું કહેવાય? ખાજલી એટલે કોઈ ખાવાની વસ્તુ છે?’
‘હા., નાસ્તા તરીકે લઈ શકાય. મસાલા ખાજલી કોરી અને સાદી ખાજલી ચા સાથે ખાઇ શકાય.’
‘ઓકે, ઠીક છે.’
પોરબંદરની પ્રખ્યાત વસ્તુ ખાજલી છે એ વાતની મને ન તો ખબર હતી, કે ન તો ક્યારેય ખાજલી વિશે સાંભળ્યું હતું.
ખાધા પછી ખબર પડી, વાહ, શું ખાજલી છે..!
*****
ઘણી વખત આપણે બહારગામ જવાના હોઈએ ત્યારે આપણે જે તે સ્થળ વિશે તો જાણકારી મેળવી લેતા હોઈએ છીએ કે, આટલા વાગ્યે પંહોચીશું પછી અહીંયા રાત્રિ રોકાણ કરીશું વિગેરે વિગેરે.. પણ ત્યાંની ફેમસ વસ્તુ કે ડીશ વિશે આપણે જાણતા નથી હોતા.
ઘણીવખત એવું પણ બનતું હોય છે કે આપણે જે તે સ્થળેથી ફરીને ઘરે પાછા ફરીએ ત્યારે ખબર પડે કે, આપણે આ વસ્તુ ખાવાની તો રહી જ ગઈ. ત્યાંની જે ફેમસ વસ્તુ હતી તે તો આપણે ટેસ્ટ કરી જ નહીં.
– અરવિંદ કળસરિયા ‘માનસ’
#ખાજલી #પોરબંદરની_ખાજલી #પોરબંદરની_પ્રખ્યાત_ખાજલી
#પોરબંદર
20/03/2026
હું ક્યાં કહું છું કે, એની કબર હોવી જોઈએ,
ચકલી દિવસની ચકલીને બસ, ખબર હોવી જોઈએ.
– અરવિંદ કળસરિયા ‘માનસ’
19/03/2026
भले ही सहारे इंसान को कमजोर बनाते है, पर
अकेले सफर करना मेरे बस की बात भी नहीं।
– अरविंद कलसरिया ‘मानस’
17/03/2026
ગામડે મકાનનું કામ પૂરું થઈ ગયું એ વાતને તો આજે દોઢે'ક વર્ષ થઈ ગયું, પણ આ વર્ષનો વરસાદ થાય એ પહેલાં મકાન ઉપર છત કરવાનું કામ લેવાનું નક્કી કરેલું.
કોઈ કહે કે પતરાના પતરા નાખી દેવાય તો કોઈ કહે કે સિમેન્ટના પતરા નાખી દેવાય, પણ બાપાએ તો નળિયા નાખવાનું જ પસંદ કર્યું હતું. પતરા નાખીએ તો ઉનાળામાં તપે અને વાવાઝોડામાં પતરા સાથે ફરજો (શેડ ફ્રેમ) ઉડી જવાની સંભાવના રહે. પણ જો નળિયા નાખીએ તો વાવાઝોડામાં કદાચ નળિયા ઊડે તો થોડા ઘણા ઉડે પણ ફરજાને કશું જ નુકશાન ન થાય. અને નળિયા નાખીએ તો ઉનાળામાં તડકા સામે રાહત પણ મળી રહે, વૈશાખ મહિનાનો ધોમ ધખતો તાપ કેમ ન હોય, નળિયાની નીચે ઠંડકનો અહેસાસ થાય જ.
છેલ્લા કેટલાંક દિવસોથી આ શેડનું કામ ચાલતું હતું જે આજે પૂરું થઈ ગયું હતું, એટલું જ નહીં નળિયા નાખી દીધા પછી ખરા બપોરના તડકામાં નળિયા નીચે બેસી ઠંડકનો અનુભવ પણ કરી લીધો.
– અરવિંદ કળસરિયા. ‘માનસ’
#નળિયા #જુનું_એટલું_સોનુ #ગામડું
05/03/2026
મહિલા પોલીસ સ્ટેશન, સેક્ટર ૧ વિસ્તાર, સુરત ખાતે પોલીસ સ્ટેશનની ભીંત પર પરિવાર વિશે કેટલાંક સરસ મજાના વાક્યો લખેલા છે, જે નીચે મુજબ છે.
✒️ દરેક ફેમિલીમાં સમસ્યા હોય છે, પણ એ લોકો ખુશનસીબ હોય છે જેની ફેમિલી હોય છે.
✒️ એક અઠવાડિયામાં સાત વાર હોય છે, પરંતુ આઠમો વાર નસીબવાળાઓ પાસે હોય છે, એ છે પરિવાર.
✒️ दुनिया से प्यार करना हो तो शुरुआत अपने परिवार से कीजिए।
✒️ કુટુંબ એ થાળી છે જે સુખ અને દુઃખને સાથે રાખે છે.
✒️ દુનિયાનો સૌથી મોટો આનંદ પરિવાર સાથે રહેવામાં અને કુટુંબમાં પ્રેમ વહેંચવામાં છે.
– અરવિંદ કળસરિયા. ‘માનસ’