19/05/2026
“મારા કર્મચારી વરસાદમાં પલળતા હોય… તો હું છત્રી નીચે કેવી રીતે ઊભો રહી શકું?”
—————————————————————–—————
વર્ષ ૨૦૧૭નું ચોમાસું… અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. સામાન્ય લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. અમદાવાદના હેલ્મેટ ચાર રસ્તા વિસ્તારમાં તો વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
એ સમયે અમદાવાદના પોલીસ કમિશનર A.K. Singh કોઈ AC ઓફિસમાં બેસીને સૂચનાઓ આપી રહ્યા નહોતા. તેઓ પોતે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોતાના જવાનો સાથે ધોધમાર વરસાદમાં કલાકો સુધી ઉભા રહી ટ્રાફિક ક્લિયર કરાવી રહ્યા હતા. વરસાદ એટલો ભારે હતો કે તેમનો આખો યુનિફોર્મ પલળી ગયો હતો… પરંતુ ચહેરા પર થાક નહોતો, માત્ર ફરજ પ્રત્યેની નિષ્ઠા અને પોતાના માણસો માટેની જવાબદારી દેખાતી હતી.
અને ખરેખર વિચારીએ તો… તેઓ તો કમિશનર હતા. એમને કોણ કહેવાનું હતું કે “સાહેબ, તમે જાતે નીચે ઉતરો… વરસાદમાં ઉભા રહો…”? તેઓ ઇચ્છે તો ઓફિસમાં બેસીને ફક્ત ફોન પર સૂચનાઓ આપી શકતા હતા. પરંતુ કદાચ એ જ ફરક હોય છે અધિકારી અને લીડરમાં. પદ માણસને મોટું બનાવતું નથી… માણસાઈ બનાવે છે.
ત્યાં હાજર કેટલાક પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક લોકો તેમની પાસે છત્રી લઈને દોડી આવ્યા. પરંતુ એ.કે સિંઘ સાહેબે છત્રી લેવાની સાફ ના પાડી દીધી.
અને પછી તેમણે જે વાત કહી… એ જ વાત આજે પણ હજારો લોકોના દિલમાં જીવતી છે.
તેમણે ખૂબ શાંતિથી કહ્યું —
“જ્યારે મારા સામાન્ય પોલીસ જવાનો અને ટ્રાફિક બ્રિગેડના માણસો વરસાદમાં કોઈ છત્રી કે રેઈનકોટ વગર ફરજ બજાવી રહ્યા હોય, ત્યારે હું કમિશનર બનીને છત્રી નીચે કેવી રીતે ઊભો રહી શકું?”
આ માત્ર એક જવાબ નહોતો… આ સાચા નેતૃત્વની વ્યાખ્યા હતી.
કારણ કે સાચો લીડર એ નથી જે ફક્ત ખુરશી પર બેસીને આદેશ આપે. સાચો લીડર એ છે જે પોતાના માણસોની વચ્ચે ઉભો રહે. જે પોતે જે જીવે છે, એ જ પોતાની ટીમને શીખવે છે.
લીડર જો છાંયડામાં ઉભો રહી કલાકો સુધી પોતાના માણસોને તડકામાં ઉભા રાખીને સૂચનાઓ આપે, તો પછી એ સૂચનાઓ સાંભળનાર પણ આગળ જઈને પોતાના નીચેના માણસો સાથે એ જ વર્તન કરે. જો અધિકારી પોતાના સ્ટાફ સાથે તોછડું બોલે, અપમાન કરે, બધાની વચ્ચે ઉધડા લે… તો પછી એ જ કર્મચારી પણ સામાન્ય માણસ સાથે કડકાઈ અને ગુસ્સાથી વર્તે.
કારણ કે માણસ જે સહન કરે છે, ઘણીવાર એ જ આગળ પહોંચાડે છે.
પરંતુ જો અધિકારી પોતાના માણસોને સન્માન આપે, તેમની વાત સાંભળે, તેમની વેદના સમજે… તો પછી એ જ કર્મચારી પણ પ્રજાની સાથે માણસાઈથી વર્તે છે.
તમે તમારા કર્મચારીને જે આપશો, જે શીખવશો… એ જ કર્મચારી પછી બીજાને આપશે. તમે સન્માન આપશો તો સન્માન પાછું ફરશે. તમે અપમાન આપશો તો અપમાન જ ફેલાશે.
એ.કે સિંઘ સાહેબ જેવા અધિકારીઓ પોતાના સ્ટાફને માત્ર “કર્મચારી” તરીકે નહોતા જોતા. તેઓ જાણતા હતા કે દરેક યુનિફોર્મ પાછળ પણ એક માણસ હોય છે… જેને થાક લાગે છે, જેને દુઃખ થાય છે, જેને બે સારા શબ્દોની જરૂર પડે છે.
એક સુંદર ઉક્તિ છે —
“સાચો લીડર એ નથી જે સૌથી આગળ ચાલે,
સાચો લીડર એ છે જે મુશ્કેલીમાં પોતાના માણસોની બાજુમાં ઉભો રહે.”
વરસાદમાં પલળતા એ કમિશનર માત્ર ટ્રાફિક સંભાળી રહ્યા ન હતા પરંતુ એ આખા સમાજને નેતૃત્વનો સાચો અર્થ શીખવી રહ્યા હતા.
ખરેખર, દરેક ક્ષેત્રમાં આવા લીડર હોવા જોઈએ…
જે કર્મચારીઓને અપમાનિત ન કરે, બધાની સામે ઉધડા ન લે, પરંતુ તેમની વાત સાંભળે, તેમની પીડા સમજે અને જરૂર પડે ત્યારે પોતાના માણસોની બાજુમાં ઉભા રહે.
આજે પણ ગુજરાતના લાખો પોલીસકર્મીઓના હૃદયમાં એ.કે સિંઘ સાહેબ પ્રત્યે અનહદ પ્રેમ છે. કારણ કે તેમણે ફક્ત પદ નથી સંભાળ્યું… માણસોના દિલ સંભાળ્યા હતા.
બાકી સાચું કહીએ તો…
આ દુનિયામાં વર્ષો પછી કોણ કોને યાદ રાખે છે?
પણ જે માણસ પોતાના હોદ્દાથી નહિ, માણસાઈથી જીવ્યો હોય…
એ માણસ લોકોના દિલમાં કાયમ જીવતો રહે છે.
- B.n bhai
જય દ્વારકાધીશ
18/05/2026
વાંચીને તમે જ બોલી ઉઠશો કે.. વાહ!
------------------ ---
“જ્યાં વેપારમાં માત્ર નફો નહિ… પણ સંસ્કાર પણ વહેંચાય,
એ જગ્યાને હોટલ નહિ… તીર્થ કહેવાય…” 🚩
આજના સમયમાં નાના બાળકોના હાથમાં રમકડાં ઓછાં અને મોબાઈલ વધારે જોવા મળે છે.
મોઢે ભગવાનનું નામ ઓછું…
પણ ગેમના અવાજ વધારે સાંભળવા મળે છે.
ઘણા ઘરોમાં હવે સાંજની આરતી કરતા મોબાઈલની રીંગટોન વધારે વાગે છે.
નાના બાળકોને હનુમાન ચાલીસાની એક ચોપાઈ ન આવડે…
પણ મોબાઈલના બધા બટન યાદ હોય.
એવામાં સુરતમાં એક એવી જગ્યા છે,
જ્યાં હજુ પણ સંસ્કાર જીવતા છે…
જ્યાં વેપાર સાથે ભક્તિ પણ થાય છે…
અને જ્યાં થાળીમાં માત્ર ભોજન નહિ,
પણ પ્રેમ અને ધર્મ પણ પીરસાય છે.
સુરતના આઉટર રિંગ રોડ પર આંતહેમ સર્કલ પાસે આવેલું ‘જલારામ ફૂડ કોર્ટ’ છેલ્લા ઘણા વર્ષોથી એક એવી સેવા કરી રહ્યું છે,
જે સાંભળીને કોઈપણ ભારતીયનું માથું ગર્વથી ઊંચું થઈ જાય.
અહીં નિયમ બહુ સાદો છે…
૧૦ વર્ષથી નાનાં બાળકો જો મોઢે હનુમાન ચાલીસા બોલે,
તો એમને પ્રેમથી મફત જમાડવામાં આવે છે.
સાંભળવામાં વાત નાની લાગે…
પણ વિચાર કરો…
આજના જમાનામાં જ્યાં લોકો બાળકોને મોબાઈલ આપીને શાંત રાખે છે,
ત્યાં કોઈ માણસ બાળકોને ભગવાન સાથે જોડવાનો પ્રયત્ન કરે…
એ કેટલી મોટી વાત કહેવાય !
આ શરૂઆત આજે નથી થઈ.
વર્ષ ૨૦૧૭થી આ નિયમ સતત ચાલે છે.
રોજના ૧૫ થી ૨૫ જેટલા નાના ભૂલકાઓ અહીં આવે છે.
કોઈ બાપુનો હાથ પકડીને આવે…
કોઈ મા સાથે આવે…
તો કોઈ દાદા ખુશી ખુશી લઈને આવે…
પછી નાનકડાં હોઠો પર જ્યારે “જય હનુમાન જ્ઞાન ગુણ સાગર…” ગુંજે ને…
ત્યારે આખી હોટલનું વાતાવરણ ભક્તિમય થઈ જાય.
કેટલાક લોકો તો જમતા જમતા ઉભા રહી જાય…
અને નાના બાળકોને સાંભળતા રહે.
કારણ કે…
“બાળકના મોઢે ભગવાનનું નામ સાંભળવું,
એ પણ એક પ્રકારનો આશીર્વાદ જ હોય છે…”
આ કામ માત્ર સુરત સુધી સીમિત નથી.
રાજકોટના કાલાવડ રોડ અને જામનગર રોડ પર આવેલી શાખાઓમાં પણ આ જ નિયમ વર્ષોથી ચાલે છે.
હોટલના માલિકોનો વિચાર બહુ મોટો છે.
એમનો માનવો છે કે,
“ધંધો તો બધા કરે છે…
પણ જો ધંધા સાથે સમાજને સારા સંસ્કાર મળે,
તો એ કમાણી સાચી કહેવાય…”
આજે લોકો લાખો રૂપિયાના ધંધા કરે છે…
પણ બાળકોમાં સંસ્કાર વાવવાનું કામ બહુ ઓછા લોકો કરે છે.
‘જલારામ ફૂડ કોર્ટ’એ બતાવી દીધું કે,
હોટલ માત્ર પેટ ભરવાની જગ્યા નહિ…
પણ સમાજ ઘડવાની જગ્યા પણ બની શકે.
ધીમે ધીમે આ વાત આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ.
પછી દેશના જાણીતા પત્રકાર શુભાંકર મિશ્રાએ પણ પોતાના સોશિયલ મીડિયા પર આ સ્ટોરી શેર કરી.
તેમણે આ પહેલના ખુબ વખાણ કર્યા.
દેશની સૌથી મોટી ન્યૂઝ ચેનલોમાંથી એક ‘આજતક’એ પણ આ અંગે ખાસ અહેવાલ બતાવ્યો.
અને પછી તો દેશ-વિદેશમાંથી લોકો આ કામને સલામ કરવા લાગ્યા.
“સારા કામની સુગંધને ક્યારેય સરનામું પૂછવું પડતું નથી…”
આ વાત સાત સમુદ્ર પાર અમેરિકામાં રહેતા ઉજ્જવલ દલાલ સુધી પણ પહોંચી.
એમનું દિલ ખુશ થઈ ગયું.
એમણે વિચાર્યું કે,
આ કામમાં પોતાનો પણ નાનો ફાળો હોવો જોઈએ.
પછી અમદાવાદની મોટી બુક સ્ટોરમાંથી હનુમાન ચાલીસાની ૨૦૦ પુસ્તકો ખરીદી બાળકો માટે મોકલાવી આપી.
જેથી નાના બાળકો વધુ સરળતાથી હનુમાન ચાલીસા શીખી શકે.
ગુજરાતના લોકલાડીલા હાસ્ય કલાકાર માયાભાઈ આહીરે પણ આ કામના દિલથી વખાણ કર્યા.
એમણે કહ્યું કે,
“પૈસા તો બધા કમાય છે…
પણ જે માણસ સંસ્કાર કમાય,
એ જ સાચો ધનિક કહેવાય…”
ખરેખર જોવામાં આવે તો,
આ માત્ર મફત જમાડવાની વાત નથી…
આ તો બાળકોના દિલમાં ભક્તિનું બીજ વાવવાનો પ્રયત્ન છે…
સનાતન ધર્મની જ્યોત જીવતી રાખવાનો પ્રયત્ન છે…
અને આવનારી પેઢીને પોતાના મૂળ સાથે જોડવાનો પ્રયાસ છે.
કારણ કે…
“જે ઘરમાં સંસ્કાર જીવતા હોય,
એ ઘરમાં સુખ પોતે રસ્તો પૂછીને આવે…”
ધન્ય છે એવા લોકોને…
જે વેપારમાં પણ સેવા જુએ છે…
અને ધન્ય છે એ નાના બાળકોને,
જે ખુશી ખુશી હનુમાન ચાલીસા બોલીને ભગવાનનું નામ લઈ રહ્યા છે. - B.n bhai
જય દ્વારકાધીશ
16/05/2026
આ ધૂળિયો માર્ગ યાદ આવતા જ આંખ ભીની થઈ જશે.
—————————––—————————————–
આ ફોટામાં દેખાતો આ ધૂળીયો માર્ગ કદાચ આજના બાળકો માટે માત્ર માટીનો રસ્તો હશે…
પણ ગામડામાં બાળપણ જીવેલા લોકો માટે આ કોઈ સામાન્ય રસ્તો નથી… આ તો આખા જીવનનો સાક્ષી છે.
એક સમય હતો…
જ્યારે સવારે ખભે થેલો લટકાવી, ઉઘાડા પગે આ કેડા ઉપરથી શાળાએ જતાં.
વરસાદ પછી કાદવ થતો… ઉનાળામાં ધૂળ ઉડતી… ક્યારેક કાંટા વાગતા… તો ક્યારેક ગરમ માટીથી પગ દાઝતા…
પણ એમાં પણ એક અનોખો આનંદ હતો.
આ કેડો માત્ર ગામથી શાળા સુધી લઈ જતો નહોતો…
આ કેડો આપણને બાળપણથી સપનાઓ સુધી લઈ જતો હતો.
સાંજ પડતી… મિત્રો સાથે હસતા-રમતા પાછા આવતાં…
રસ્તાની બાજુના ઝાડો, ચકલીનો કલરવ, ખેતરની સુગંધ… બધું પોતાનું લાગતું.
આ કેડો જાણે રોજ આપણું રાહ જોતો હોય એમ લાગતું.
પછી સમય બદલાયો…
ગામમાં ભણવાનું પૂરું થયું.
બહાર શહેરમાં ભણવા જવાનું થયું.
એ દિવસે કદાચ આ કેડો પણ શાંત થઈ ગયો હશે…
કારણ કે રોજ એની ઉપર દોડતા પગલાં હવે દૂર જવાના હતા.
વેકેશનમાં પાછા ગામ આવીએ ત્યારે…
આ જ રસ્તો હરખાઈ ઉઠતો હશે.
માટીનો એ સુગંધિત વાસ જાણે કહી રહ્યો હોય —
“આવી ગયો ને પાછો…?”
પછી જીવનની દોડ શરૂ થઈ.
નોકરી, ધંધો, જવાબદારીઓ…
અને શહેરના સીમેન્ટ-કોંક્રીટના રસ્તાઓએ જીવન ઘેરી લીધું.
આજ રસ્તા મોટા થયા છે… ચમકદાર થયા છે…
પણ એમાં લાગણી ક્યાં છે?
આ સીમેન્ટના રસ્તા માણસને ઝડપથી ગંતવ્ય સુધી પહોંચાડે છે…
પણ આ ધૂળીયો માર્ગ માણસને પોતાના લોકો સુધી પહોંચાડતો હતો.
શહેરના રસ્તાઓ ઉપર હજારો લોકો મળે…
પણ કોઈ ઓળખાણનું લાગતું નથી.
જ્યારે આ કેડા ઉપર તો એક પંખી પણ ઓળખીતું લાગતું.
આજના બાળકો કદાચ સમજશે નહીં કે
ધૂળમાં રમવાનું શું હોય…
ખેતરની વાસ શું હોય…
અથવા ગામના રસ્તા સાથે લાગણી કેવી રીતે જોડાય.
એમને કદાચ ખબર નહીં પડે કે
એક ધૂળીયો માર્ગ પણ કોઈના જીવનનો સૌથી સુંદર અધ્યાય બની શકે.
હવે ક્યારેક વર્ષો પછી ગામ જઈએ…
અને આ જ કેડા ઉપર એકલા ચાલીએ…
ત્યારે પગ તો આગળ વધે છે…
પણ મન પાછું બાળપણમાં દોડી જાય છે.
અને સાચું કહું તો…
આ રસ્તા ઉપર પડેલી ધૂળ આજે પણ પગને ઓછી,
પણ આંખોને વધારે ભીની કરી જાય છે…! - B.n bhai
જય દ્વારકાધીશ
15/05/2026
મજાકના નામે ઝેરી વિચારધારા
-------------------
ક્રિકેટ માત્ર બેટ અને બોલની રમત નથી. આ રમત શિસ્ત, સંસ્કાર, સન્માન અને જવાબદારીનો પણ અરીસો છે. ખેલાડીઓ લાખો યુવાનો માટે પ્રેરણા બને છે. તેથી મેદાન પર બોલાયેલ દરેક શબ્દ અને કરાયેલ દરેક હરકતનું વજન હોય છે. પરંતુ આજે કેટલીક વખત ખેલાડીઓ “મજાક” ના નામે એવી સીમા પાર કરી નાખે છે કે જે સીધું અપમાન બની જાય છે.
તાજેતરમાં અર્શદીપ સિંહનો જે વીડિયો સામે આવ્યો, તેમાં તેણે તિલક વર્માને “ઓય અંધેરે, સનસ્ક્રીન લગાયા?” જેવા શબ્દો કહ્યા. પછી સાથે ઉભેલા ખેલાડી નમન ધીરને “પંજાબ કા અસલી નૂર” કહી તુલના કરી. કદાચ અર્શદીપ માટે આ મજાક હશે, પરંતુ દરેક મજાક હસાવતી નથી, કેટલીક મજાક માણસને અંદરથી ઇજા પહોંચાડે છે. ખાસ કરીને જ્યારે કેમેરા ચાલુ હોય, લાખો લોકો જોઈ રહ્યા હોય અને આખી દુનિયા સામે કોઈની ત્વચા, રંગ અથવા દેખાવ પર ટિપ્પણી કરવામાં આવે — ત્યારે એ મિત્રતા નહીં, જાહેર અપમાન કહેવાય.
આપણે સૌ આપણા મિત્રોમાં મજાક કરીએ છીએ. પરંતુ સમજદાર માણસ જાણે છે કે કઈ વાત ક્યાં કરવી. અમુક મજાક એકાંતમાં ચાલે, બે ખાસ મિત્રોમાં ચાલે, પરંતુ ભરી સભામાં, કેમેરા સામે અથવા લોકો વચ્ચે એવી વાતો કરવી જેનાથી સામેવાળો શરમ અનુભવે — એ સંસ્કારહીનતા છે. મજાક અને અપમાન વચ્ચે એક બારીક રેખા હોય છે, અને અર્શદીપે એ રેખા પાર કરી દીધી.
ઘણા લોકો કહેશે કે “અરે મિત્રો વચ્ચે આવું ચાલે.” પરંતુ પ્રશ્ન એ છે કે જો આવું ચાલે તો પછી સમાજમાં બોડી શેમિંગ, રંગભેદ અને વ્યક્તિગત ટિપ્પણીઓ બંધ કેવી રીતે થશે? આજે એક ખેલાડી કેમેરા સામે આવી ભાષા બોલે અને લોકો તેને હળવાશમાં લે, તો આવતીકાલે લાખો યુવાનો એ જ વસ્તુને સામાન્ય માની લેશે. રમત માણસને મોટું બનાવે છે, નાનું નહીં.
ક્રિકેટ બોર્ડ અને આઈપીએલ જેવી મોટી સંસ્થાઓ માત્ર પૈસા કમાવવા માટે નથી. તેઓએ ખેલાડીઓમાં શિસ્ત જાળવવી પણ એટલી જ જરૂરી છે. જો કોઈ ખેલાડી વારંવાર મર્યાદા ભૂલે, મજાકની આડમાં અપમાન કરે અને રમતની ગૌરવને ઠેસ પહોંચાડે, તો એવા ખેલાડીઓ સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. માત્ર દંડ કે ચેતવણી નહીં, પરંતુ જરૂર પડે તો આજીવન પ્રતિબંધ જેવી સજા પણ વિચારવી જોઈએ, જેથી બીજા ખેલાડીઓ માટે ઉદાહરણ ઉભું થાય.
કારણ કે પ્રતિભા મોટી વાત નથી, માણસાઈ મોટી વાત છે. અને જે ખેલાડી બીજા માણસનું સન્માન ન જાળવી શકે, તે રમતના મેદાનમાં હોવા લાયક નથી. - B.n Bhai
જય દ્વારકાધીશ
15/05/2026
સંઘર્ષ જ્યારે બોલે છે, ત્યારે શબ્દોની જરૂર પડતી નથી
---------------------------------
સવારે ત્રણ વાગ્યે જ્યારે આખું શહેર ઊંઘમાં ગરકાવ હોય છે, ત્યારે એક વૃદ્ધ માણસ પોતાની આંખોમાંથી ઊંઘ ખંખેરીને ઊભો થાય છે. શરીર કદાચ થાકેલું હોય, ઘૂંટણોમાં દુખાવો પણ થતો હોય, પણ પેટ અને જવાબદારીઓ માણસને આરામ ક્યાં કરવા દે છે…?
ચુલ્હો સળગે છે. ખમણ તૈયાર થાય છે, ઢોકળા કપાય છે, સમોસાની સુગંધ ફેલાય છે. અને પાંચ વાગતા પહેલા જ એ માણસ પોતાની હાથલારી લઈને શેરીઓમાં નીકળી પડે છે. એક શેરીથી બીજી શેરી… બીજીથી ત્રીજી… કોઈ ગ્રાહક હસીને બોલાવે, કોઈ અવગણીને પસાર થઈ જાય, કોઈ ભાવતાલ કરે… છતાં એ માણસના ચહેરા પર ફરિયાદ નથી.
સૂર્ય માથા ઉપર ચઢી જાય છે. ગરમીથી કપડાં પરસેવાથી ભીંજાઈ જાય છે. પગ થાકી જાય છે. ક્યારેક કદાચ પાણી પીવાનો પણ સમય મળતો નથી. રસ્તા પરની ભીડ ઓછી થઈ જાય, દુકાનોના શટર અડધા બંધ થઈ જાય, વાહનોના પૈડા થંભી જાય… છતાં આ માણસની લારીના પૈડા અટકતા નથી.
ધીરે ધીરે સાંજ પડે છે. અંધકાર પથરાય છે. લોકો પોતાના પરિવાર સાથે જમવા બેસે છે. બાળકો પિતાની રાહ જુએ છે. પણ કદાચ આ વૃદ્ધના પોતાના બાળકો પણ જાણતા હશે કે “બાપુ હજી આવ્યા નહીં હોય… હજી લારી ફેરવતા હશે…”
અને આખા દિવસની આ અગ્નિપરીક્ષા પછી હાથમાં આવે છે માત્ર ચારસો કે પાંચસો રૂપિયા.
વિચારો… આજના સમયમાં લોકો એટલા પૈસામાં એક વખત હોટલમાં જમવા બેસી જાય છે. કોઈ એક પાર્ટીમાં ઉડાવી દે છે. પણ કોઈ માણસ માટે આ ચારસો રૂપિયા એટલે આખા પરિવારનું ભોજન, દવાખાનું, બાળકોની જરૂરિયાત અને આવતીકાલની આશા.
સુરતના સીતાનગર પાસે માતૃશક્તિ, નંદનવન, બુટભવાની, ગીતાનગર, રામરાજ્ય, ભગીરથ, સંતોષીનગર, સપના, અભયનગર અને આજુબાજુની સોસાયટીમાં રહેતા લોકોએ આ બુઝુર્ગને વર્ષોથી જોયા હશે. છેલ્લા પચ્ચીસ વર્ષથી આ માણસ પોતાની જિંદગીનો એક એક દિવસ પરસેવામાં ઓગાળી રહ્યો છે.
આજે મોટા મોટા મોટીવેશનલ સ્પીકરો, કથાકારો અને વૈભવી જીવન જીવતા લોકો એસી હોલમાં બેસીને સંઘર્ષની વાતો કરે છે. મંચ પરથી મહેનત, સાદગી અને જીવનના પાઠ શીખવે છે, અને એ જ વાતોથી લાખો રૂપિયા કમાય છે. પરંતુ જે પ્રેરણા આ વૃદ્ધ માણસ પોતાની નિઃશબ્દ મહેનતથી આપી જાય છે, એ પ્રેરણા કદાચ કોઈ ભાષણ કે કોઈ પુસ્તક પણ ન આપી શકે.
કારણ કે અહીં શબ્દો નથી… અહીં સચ્ચાઈ છે. અહીં દેખાડો નથી… અહીં પરસેવો છે. અહીં તાળીઓ નથી… અહીં જીવનનો અસલી સંઘર્ષ છે.
કોઈ મંચ પર ઊભો રહીને એ માણસ પ્રેરણાની વાતો નથી કરતો. કોઈ સોશિયલ મીડિયામાં વિડિયો બનાવીને સહાનુભૂતિ માંગતો નથી. પણ એની થાકેલી આંખો, કંપતા હાથ અને ધીમે ધીમે ચાલતી લારી ઘણું બધું કહી જાય છે.
આજે પૈસા માટે સગા સંબંધીઓ એકબીજાને છેતરે છે. મિલકત માટે ભાઈ ભાઈના દુશ્મન બની જાય છે. ક્યારેક તો થોડાક રૂપિયાઓ માટે માણસ માણસનું લોહી પણ વહાવી દે છે. ત્યાં આ માણસ આખો દિવસ તડકામાં બળી, શરીર ઘસીને, ઈમાનદારીના ચારસો રૂપિયા કમાય છે.
કદાચ દુનિયાને એ માણસ સામાન્ય લાગે… પણ સાચું કહીએ તો, સમાજ આવા લોકોના પરસેવાથી જ ટક્યો છે.
ક્યારેક રસ્તામાં આવી લારી દેખાય ને… તો માત્ર વસ્તુ ખરીદીને ન નીકળી જજો. એક વાર એ માણસના ચહેરા તરફ પણ જોઈ લેજો. કદાચ તમને ત્યાં જીવનનો સૌથી મોટો સંઘર્ષ, સૌથી મોટી ઈમાનદારી અને સૌથી નિઃશબ્દ પ્રેરણા ઉભી દેખાશે. - B.n bhai
🙏🏻 જય દ્વારકાધીશ
14/05/2026
PR ના ચમકતા આંકડા પાછળનું સત્ય.
-----------------------
આજના શિક્ષણજગતમાં એક નવી ફેશન ચાલી છે . “અમારી શાળાનો વિદ્યાર્થી 99.99 PR લાવ્યો”, “અમારા ક્લાસનું સૌથી ઊંચું PR”, “ટોપ PR ધરાવતો વિદ્યાર્થી”…
પરિણામ આવે એટલે જાણે PR નો જ મેળો લાગી જાય. શાળાઓ મોટા મોટા બેનરો લગાવે, સોશિયલ મીડિયામાં પોસ્ટો મૂકે, અને વાલીઓ પણ ગર્વથી કહેતા ફરે કે “મારા દીકરાનો PR બહુ ઊંચો છે.”
પરંતુ સવાલ એ છે કે શું ખરેખર PR જ પ્રતિભાનું પ્રમાણપત્ર છે?
ઘણા લોકો PR અને ટકા વચ્ચેનો મૂળભૂત ફરક સમજ્યા વગર જ હરખાઈ જાય છે. હકીકતમાં જો શાંતિથી વિચારીએ તો સમજાય કે PR કરતાં ટકા ઘણી વધારે મહત્વની અને વિશ્વસનીય બાબત છે.
સૌ પ્રથમ “ટકા” સમજીએ.
ટકા એટલે વિદ્યાર્થીએ ખરેખર કેટલું ભણ્યું અને કેટલું જ્ઞાન મેળવ્યું.
100 માંથી 90 ગુણ આવે એટલે 90 ટકા.
અહીં કોઈની સરખામણી નથી.
વિદ્યાર્થીએ પોતાનાં પરિશ્રમથી જેટલું મેળવ્યું છે તેનું સીધું પ્રતિબિંબ છે.
ટકા એ વિદ્યાર્થીની પોતાની ક્ષમતા, સમજશક્તિ અને મહેનત બતાવે છે.
કોઈ વિદ્યાર્થી 85 ટકા લાવે એટલે સ્પષ્ટ છે કે તેને વિષયનું સારું જ્ઞાન છે.
અહીં આંકડો ખરો છે, સીધો છે અને વાસ્તવિક છે.
હવે PR સમજીએ.
PR એટલે Percentile Rank.
અર્થાત્ તમે બીજા કેટલા વિદ્યાર્થીઓ કરતાં આગળ છો.
અહીં ધ્યાન આપવાની વાત એ છે કે PR માં તમારું જ્ઞાન મુખ્ય નથી, બીજાઓની સ્થિતિ મુખ્ય છે.
જો બીજાના ગુણ ઓછા હોય તો તમારો PR આપોઆપ ઊંચો થઈ જાય.
માત્ર બે વ્યક્તિ દોડમાં ભાગ લે.
એક પહેલો આવશે અને બીજો નંબર તો આવવાનો જ છે.
હવે બીજો નંબર લાવનાર વ્યક્તિને શું આપણે મહાન દોડવીર કહી દઈએ?
જરૂરી નથી. કારણ કે સ્પર્ધા જ બે લોકો વચ્ચે હતી.
એજ રીતે જો કોઈ શાળામાં અથવા વર્ગમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ઓછા ગુણ લાવતા હોય, તો થોડા વધારે ગુણ લાવનાર વિદ્યાર્થીનો PR બહુ ઊંચો આવી શકે.
માની લો કે કોઈ વર્ગમાં સૌથી વધુ ગુણ 62 ટકા છે અને બાકીના વિદ્યાર્થીઓ 40-50 ટકા વચ્ચે છે.
તો 62 ટકા લાવનાર વિદ્યાર્થીનો PR ખૂબ ઊંચો આવી શકે.
હવે પ્રશ્ન એ છે કે શું માત્ર PR જોઈને આપણે કહી દઈએ કે વિદ્યાર્થી અસાધારણ પ્રતિભાશાળી છે?
ના.
કારણ કે અહીં સરખામણી નબળા પરિણામો સાથે થઈ રહી છે, જ્ઞાન સાથે નહીં.
આજકાલ PR નો એવો માહોલ ઊભો થયો છે કે ઘણા વિદ્યાર્થીઓ પોતાનું સાચું મૂલ્યાંકન જ ભૂલી ગયા છે.
કોઈ વિદ્યાર્થી 75 કે 80 ટકા લાવે તો પણ ખુશ થવાને બદલે દુઃખી થઈ જાય છે, કારણ કે તેનો PR બીજાથી ઓછો છે.
આ ખૂબ ખોટી માનસિકતા છે.
75 ટકા એટલે વિદ્યાર્થીએ ત્રણ ચોથાઈ અભ્યાસ સારી રીતે સમજી લીધો.
આ નાની બાબત નથી.
પરંતુ સમાજે એવો માહોલ બનાવી દીધો છે કે હવે મૂળ જ્ઞાન કરતાં સરખામણીના આંકડાને વધારે મહત્વ મળવા લાગ્યું છે.
શાળાઓ પણ ઘણીવાર PR ને માર્કેટિંગનું સાધન બનાવી દે છે.
“અમારા અહીં 99.99 PR”, “ટોપ PR ધરાવતી શાળા” જેવા દાવા કરીને જાણે શિક્ષણને જાહેરાતમાં ફેરવી દેવામાં આવ્યું હોય એવું લાગે છે.
પરંતુ શિક્ષણનો હેતુ માત્ર બીજાથી આગળ નીકળવાનો નથી.
શિક્ષણનો સાચો હેતુ સમજણ, વિચારશક્તિ, સંસ્કાર અને જ્ઞાન છે.
એક વિદ્યાર્થી 85 ટકા લઈને શાંતિથી આગળ વધે છે અને જીવનમાં મોટી સિદ્ધિ મેળવે છે, જ્યારે કોઈ ઊંચો PR લાવનાર માત્ર આંકડામાં જ અટકી જાય છે આવાં અનેક ઉદાહરણો જીવનમાં જોવા મળે છે.
જીવનમાં સફળતા PR થી નક્કી થતી નથી.
સફળતા નક્કી થાય છે વિચારોથી,
કૌશલ્યોથી,
મહેનતથી,
વર્તનથી,
અને સતત શીખવાની ક્ષમતાથી.
માટે હવે સમય આવી ગયો છે કે સમાજ PR ના ચમકદાર આંકડાથી થોડું બહાર આવે અને વિદ્યાર્થીઓની સાચી મહેનતને ઓળખે.
PR એક ગણિતીય વ્યવસ્થા હોઈ શકે,
પરંતુ પ્રતિભાનો અંતિમ નિર્ણય નથી.
વિદ્યાર્થીનું સાચું ગૌરવ તેના ટકામાં છે,
તેના જ્ઞાનમાં છે,
અને તેની મહેનતમાં છે
માત્ર સરખામણીના આંકડામાં નહીં.
- B.n bhai
જય દ્વારકાધીશ
13/05/2026
વાળ કપાવવું માત્ર કામ નહિ, એક લાગણી હતી - ગામડાની એ મીઠી દુનિયા હવે ક્યાં રહી?
------------------------------------
એક સમય એવો હતો જ્યારે ગામનું જીવન ખૂબ સરળ, નિખાલસ અને લાગણીઓથી ભરેલું હતું. લોકો પાસે આજે જેવી ચમકધમક નહોતી, પણ દિલોમાં અપાર પ્રેમ હતો. ગામમાં દરેક માણસ એકબીજાના સુખદુઃખમાં ઉભો રહેતો. સંબંધોમાં કોઈ દેખાવ નહોતો, માત્ર લાગણી હતી. એ સમયમાં ગામના વાળંદનું પણ એક આગવું સ્થાન હતું.
અમારા ગામમાં આણંદભાઈ વાળંદ કરીને હતા. આખું ગામ એમની પાસે જ વાળ કપાવતું. આજે જેવી એસીવાળી દુકાનો, ચમકતા મોટા કાચ, ફેરવાતી ખુરશીઓ કે અલગ અલગ હેરસ્ટાઈલ નહોતી. “ફેડ કટ”, “સ્ટાઈલિશ કટ”, “સ્પાઈક” જેવા શબ્દો તો ગામના લોકો માટે અજાણ્યા હતા. વાળ કપાવવાનો અર્થ માત્ર સ્વચ્છતા અને સાદગી હતો.
મોટા લોકોને વાળ કપાવવા હોય તો તેઓ સીધા આણંદભાઈના ઘરે જતાં. ઘરના ફળિયામાં ગુણ્ય પાથરેલું હોય, બાજુમાં પાણી ભરેલો વાટકો રાખેલો હોય અને આણંદભાઈ પોતાની કાતર અને કાંસકાથી પ્રેમથી વાળ કાપતા. દાઢી માટે બ્લેડ અને સંચો વપરાતો. વાળ કપાતાં કપાતાં ગામની વાતો, ખેતીની ચર્ચાઓ અને હાસ્યમજાક ચાલતી. ત્યાં માત્ર વાળ કપાતા નહોતા, સંબંધો વધુ ગાઢ બનતા.
નાના બાળકોના વાળ કપાવવાનો તો અલગ જ માહોલ હોય. બાળક વાળ કપાવવા બેસે એટલે રડવાનું શરૂ કરે. ત્યારે બાપુ એને મજબૂતીથી પકડી રાખે અને આણંદભાઈ હસતાં હસતાં વાળ કાપી આપે. વાળ કપાઈ જાય પછી કોઈ ગોળ આપે, કોઈ બિસ્કિટ આપે અને બાળકને મનાવવામાં આવે. આજે એ દ્રશ્યો યાદ આવે તો આંખો સામે આખું બાળપણ ફરી જીવંત થઈ જાય છે.
એ સમયમાં પૈસાનું મહત્વ આજ જેટલું નહોતું. લોકો વર્ષે અનાજ આપતા. કોઈ ઘઉં આપે, કોઈ બાજરો આપે. વાડીએ શાકભાજી થાય તો એમાંથી પણ ભાગ આપતા. સંબંધો રૂપિયા પર નહિ, લાગણી અને વિશ્વાસ પર ચાલતા. કોઈના ઘરે પ્રસંગ હોય તો આખું ગામ પોતાનું કામ છોડીને મદદે દોડી આવતું.
આજે સમય ઘણો બદલાઈ ગયો છે. ગામોમાં પણ આધુનિક સેલૂન આવી ગયા છે. એસી, મશીન, મોટી ખુરશીઓ અને નવી નવી સ્ટાઈલ આવી ગઈ છે. હવે માણસો પાસે સુવિધાઓ તો ઘણી છે, પણ સમય અને લાગણી ઓછી થઈ ગઈ છે. સંબંધોમાં પણ પહેલાની જેવી મીઠાશ ક્યાંક ખોવાઈ ગઈ લાગે છે.
સાચું કહીએ તો જીવન આગળ વધ્યું છે, પરંતુ એ જૂના દિવસોની નિખાલસતા, માણસાઈ અને લાગણીઓ આજે પણ દિલના કોઈ ખૂણે જીવંત છે. ક્યારેક મન થાય કે ફરી એ જ બાળપણ આવે… ફરી ફળિયામાં ગુણ્ય પાથરાય… ફરી આણંદભાઈની કાતરનો અવાજ સંભળાય… અને ફરી એ નિર્દોષ ગામડાનું જીવન જીવવા મળે. - B.n bhai
🙏🏻 જય દ્વારકાધીશ
ફોટો પ્રતિકાત્મક છે.
12/05/2026
આદરણીય ડૉ. શ્રી દલપતભાઈ કાતરિયા સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ... 💐
અઢારેય સમાજ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરનાર, સર્વ સમાજના દિલોમાં આગવું સ્થાન બનાવનાર અને છેવાડાના માનવીની પીડાને પોતાની પીડા માનનાર આપ જેવા સેવાભાવી આગેવાન સમાજ માટે ગૌરવ સમાન છે.
આર્થિક પરિસ્થિતિને કારણે ભણી ન શકતા હોય કે સારવાર ન મેળવી શકતા હોય એવા લોકો માટે હંમેશા સેવા માટે તત્પર રહેતી આપની ભાવના ખરેખર પ્રેરણાદાયી છે.
ભગવાન શ્રી કૃષ્ણ આપને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ-શાંતિ, યશ-કીર્તિ અને સતત લોકસેવા કરવાની શક્તિ આપે તેવી હાર્દિક પ્રાર્થના... 🙏💐 - B.n Bhai
🙏🏻 જય દ્વારકાધીશ